હજ મિત્ર (હજની સરળ માર્ગદર્શિકા)



                              
હજ મિત્ર
Courtesy:Canva free image 

🕋 હજની સરળ માર્ગદર્શિકા

આ પુસ્તિકા હજના પાંચ પવિત્ર દિવસોની વિધિ અને મહત્વની દુઆઓને સંપૂર્ણ રીતે સમજવા માટે તૈયાર કરવામાં આવી છે.

🛑 હજના ૩ મુખ્ય ફર્ઝ (ફરજિયાત કાર્યો)

આ ત્રણ કાર્યો કરવાથી જ હજ અદા થાય છે. જો આમાંથી એક પણ કાર્ય છૂટી જાય, તો હજ થતી નથી અને તેના બદલામાં કુરબાની (દમ) આપવાથી પણ હજ પૂર્ણ થતી નથી:

  • ૧. એહરામ (Ihram): હજની નિયત કરી વિશિષ્ટ સફેદ વસ્ત્રો ધારણ કરવા અને પાબંદીઓમાં રહેવું.
  • ૨. વુકુફે અરાફાત (Wukuf-e-Arafat): ૯મી ઝુલ-હિજ્જાના રોજ ઝવાલ (બપોર) થી લઈને ૧૦મીની ફજરની સાદિક સુધીના સમયમાં ગમે ત્યારે અરાફાતના મેદાનમાં રોકાવું.
  • ૩. તવાફે ઝિયારત (Tawaf-e-Ziyarah): ૧૦મી ઝુલ-હિજ્જાની ફજરથી લઈને ૧૨મીના સૂર્યાસ્ત સુધીમાં કાબા શરીફના સાત ચક્કર લગાવવા.
⚖️ હજના વાજિબ કાર્યો

વાજિબ એ કાર્યો છે જે પૂર્ણ કરવા જરૂરી છે. જો તે ભૂલથી છૂટી જાય, તો તેના બદલામાં 'દમ' (કુરબાની) આપવો પડે છે, જેનાથી હજ થઈ જાય છે. પરંતુ જાણીજોઈને છોડવું ગુનો છે.

  1. મુઝદલિફામાં રોકાવું: ૯મીની રાત પસાર કર્યા પછી ૧૦મીની ફજર પછી સૂર્યોદય પહેલા ત્યાં રોકાવું.
  2. સઈ: સફા અને મરવા પહાડીઓ વચ્ચે સાત ચક્કર લગાવવા.
  3. રમી: ૧૦થી ૧૨ તારીખ સુધી ત્રણ દિવસ કાંકરીઓ મારવી વાજિબ છે.
  4. કુરબાની: હજે કિરાન અને હજે તમત્તુ કરનારાઓ માટે કુરબાની કરવી વાજિબ છે.
  5. હલ્ક અથવા તકસીર: માથું મુંડાવવું અથવા વાળ કપાવવા.
  6. તવાફે રુખસત: હરમે પાકથી વિદાય લેતી વખતે છેલ્લો તવાફ કરવો (બહારથી આવનારા માટે).
📜 સંપૂર્ણ તલ્બિયા (Talbiyah)

અરબી: لَبَّيْكَ اَللَّهُمَّ لَبَّيْكَ ، لَبَّيْكَ لَا شَرِيكَ لَكَ لَبَّيْكَ ، إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ ، لَا شَرِيكَ لَكَ

ગુજરાતી ઉચ્ચારણ: લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, લબ્બૈક લા શરીકા લકા લબ્બૈક, ઈન્નલ હમ્દા વન નિઅમતા લકા વલ મુલ્ક, લા શરીકા લક.

ગુજરાતી ભાષાંતર: હું હાજર છું, હે અલ્લાહ! હું તારા દરબારમાં હાજર છું. હું હાજર છું, તારો કોઈ ભાગીદાર નથી, હું હાજર છું. બધી જ પ્રશંસા અને તમામ નિયામતો (વરદાન) તારા જ છે અને આખું સામ્રાજ્ય (બાદશાહી) પણ તારું જ છે. તારો કોઈ ભાગીદાર નથી.

કચ્છી ભાષાંતર: હાજર ઐંયાં, યા અલ્લાહ! આંઉં તોજે ધરબાર મેં હાજર ઐંયાં. આંઉં હાજર ઐંયાં, તોજો કોય ભાગીધાર નાંય, આંઉં હાજર ઐંયાં. મિળે વાખાંણ નેં મિળે નિયામતું તોજીયું જ ઐં અને સજો રાજ ને બાદશાહી પણ તો જી જ આય. તોજો કોય ભાગીદાર નાંય.
🗓️ હજના ૫ દિવસોની વિગતવાર વિધિ

દિવસ ૧: ૮મી ઝુલ-હિજ્જા (મિના)

સમય: સૂર્યોદય પછી મક્કાથી મિના તરફ પ્રસ્થાન કરવું.

વિધિ: અહીં ઝોહર, અસર, મગરિબ, ઈશા અને ૯મીની ફજર એમ કુલ પાંચ નમાઝ પઢવી સુન્નત છે. રાત મિનામાં જ પસાર કરવી.

દિવસ ૨: ૯મી ઝુલ-હિજ્જા (અરાફાત અને મુઝદલિફા)

સમય (અરાફાત): ૯મીની ફજરની નમાઝ મિનામાં પઢીને અરાફાત જવું. ઝવાલ (બપોર) થી મગરિબ સુધી દુઆ કરવી.

સમય (મુઝદલિફા): મગરિબનો સમય થઈ ગયા પછી નમાઝ પઢ્યા વગર મુઝદલિફા જવા નીકળવું. ત્યાં ઈશાના સમયમાં મગરિબ અને ઈશા સાથે પઢવી.

દિવસ ૩: ૧૦મી ઝુલ-હિજ્જા (રમી, કુરબાની અને હલ્ક)

૧. રમી: સૂર્યોદય પછી મિના પહોંચી માત્ર મોટા શેતાનને ૭ કંકર મારવા.

દુઆ: بِسْمِ اللهِ اَللهُ اَكْبَرُ، رَغْمًا لِّلشَّيْطَانِ وَرِضًا لِّلرَّحْمٰنِ

ગુજરાતી ઉચ્ચારણ:

બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર, રગ્મન લિશ-શૈતાની વ રિદન લિર-રહેમાન.

ગુજરાતી ભાષાંતર: અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહ સૌથી મોટો છે. આ કંકર શેતાનને જલીલ કરવા માટે અને રહેમાન (અલ્લાહ) ને રાજી કરવા માટે મારું છું.

કચ્છી ભાષાંતર: અલ્લાહ જે નાં સે સરુ કરીઆં તો, અલ્લાહ મિણીયાં વડો આય. હી કકરીંયું શેતાન જો અપમાન કરે લા નેં રહેમાન (અલ્લાહ) કે રાજી કરે લા મારીયાં તો.

૨. કુરબાની: રમી કર્યા પછી કુરબાની કરવી.

૩. હલ્ક: કુરબાની પછી માથું મુંડાવવું. હવે એહરામ ખોલી શકાય છે.

૪. તવાફે ઝિયારત: મક્કા જઈ કાબા શરીફના સાત ચક્કર લગાવવા.

દિવસ ૪ અને ૫: ૧૧મી અને ૧૨મી ઝુલ-હિજ્જા (રમી)

સમય: ઝવાલ (બપોર) પછી ત્રણેય શેતાનોને ૭-૭ કંકર મારવા. (૧૦થી ૧૨ તારીખ સુધી ત્રણ દિવસ કાંકરીઓ મારવી વાજિબ છે).

ઝમઝમ પીવાની દુઆ: اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا، وَرِزْقًا وَاسِعًا، وَشِفَاءً مِنْ كُلِّ دَاءٍ

ગુજરાતી ઉચ્ચારણ

અલ્લાહુમ્મ ઇન્ની અસ-અલુક ઇલ્મન નાફિઆ, વ રિઝકન વાસિઆ, વ શિફાઅમ મિન કુલ્લી દા-ઇન.

ગુજરાતી ભાષાંતર: હે અલ્લાહ, હું તારી પાસે નફાકારક ઇલ્મ, પુષ્કળ રોઝી અને દરેક બીમારીથી શિફા માંગુ છું.

કચ્છી ભાષાંતર: યા અલ્લાહ, આઉં તો વટા ફાયધેવારો ઈલમ, જિજી જ રોજી નેં હર બીમારીનું શિફા મંઙા (મંગા) તો.

🐐 દમ (Dam) નો અર્થ અને મહત્વ

અર્થ: દમ એટલે એક કુરબાની, જેમાં એવા જાનવરોની કુરબાની કરવી જે ઈદ-ઉલ-અદહા(બકરી ઈદ)ના દિવસે કરવામાં આવે છે, જે હરમની હદની અંદર કરવી અનિવાર્ય છે.

મહત્વ: જો હજનું કોઈ વાજિબ કાર્ય ભૂલથી છૂટી જાય, અથવા કોઈ વાજિબ કાર્ય તેના નક્કી કરેલા સમય કે ક્રમ મુજબ ન થાય, તો તેનું પ્રાયશ્ચિત 'દમ' આપીને કરવામાં આવે છે. દમ આપવાથી હજમાં રહેલી ખામી દૂર થાય છે.

📖 મહત્વના અરબી શબ્દોની સમજૂતી
  • તવાફ: કાબા શરીફની આસપાસ સાત ચક્કર લગાવવા.
  • સઈ: સફા અને મરવા પહાડીઓ વચ્ચે સાત વાર ચાલવું.
  • મુલ્તઝમ: કાબાના દરવાજા અને હજરે અસ્વદ વચ્ચેની જગ્યા જ્યાં દુઆ કરવામાં આવે છે.
  • તવાફે રુખસત: મક્કાથી વિદાય થતી વખતે કરવામાં આવતો છેલ્લો તવાફ.

પીર સૈયદ ઈશાકમિયાં બાપુએ તૈયાર કરેલ “હજની સરળ માર્ગદર્શિકા” અત્યંત ઉપયોગી છે. ખાસ કરીને કચ્છી ભાષામાં આપેલી દુઆઓ ગુજરાતી કે અરબી નહિ જાણતા લોકોને માટે બહુ સહેલી અને યાદ રાખવા યોગ્ય છે. આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે.

અલ્લાહ તઆલા આપને જઝા-એ-ખૈર અતા કરે અને આપની હજ કબૂલ કરી હજ્જે મબરૂર નસીબ ફરમાવે. આમીન.

કૃપા કરીને આ કિતાબની લિંક તમારા ગ્રુપમાં શેર કરી સવાબે દારૈન હાસિલ કરશો.

મૌલાના અલિફ નક્ષબંદી






ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજ ૨૦૨૬: કુરબાની (અદહીયા) અંગે મુફ્તી નિઝામુદ્દીન રિઝવીનો મહત્વપૂર્ણ ફતવો અને માર્ગદર્શન

નાપાકીમાં હજ કેવી રીતે કરવી