સફર-એ-હજ

 

હજ 2026
Courtesy:Grok free image 


આખરી મંઝિલની સફર 

તમે દુનિયાના સૌથી નશીબદાર લોકોમાંના એક છો.અલ્લાહ તઆલાએ વ્યક્તિગત રૂપે તમને આખરી મંઝિલની સફર માટે (પોતાના ઘરમાં) આમંત્રિત કર્યા છે.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સફરનો કાર્યક્રમ

તારીખ સ્થળથી સ્થળ અંતર
૮ જુલહિજ્જા મસ્જિદ અલ-હરમથી મિના ૮ કિલોમીટર
૯ જુલહિજ્જા મિનાથી અરફાત ૧૩ કિલોમીટર
૯ જુલહિજ્જા અરફાતથી મુજદલિફા ૮ કિલોમીટર
૧૦ જુલહિજ્જા મુજદલિફાથી મિના ૪ કિલોમીટર
મિનાથી જમરાત ૩ કિલોમીટર
જમરાતથી મસ્જિદ અલ-હરમ ૫ કિલોમીટર
૧૧ જુલહિજ્જા મસ્જિદ અલ-હરમથી મિના ૮ કિલોમીટર
મિનાથી જમરાત ૩ કિલોમીટર
જમરાતથી મિના ૩ કિલોમીટર
૧૨ જુલહિજ્જા મિનાથી જમરાત ૩ કિલોમીટર
જમરાતથી મસ્જિદ અલ-હરમ ૫ કિલોમીટર

હજ માટે પ્રસ્થાન:

હજ એટલે લક્ષ્ય કે મંઝિલ તરફ સફર કરવાનો સંકલ્પ- નિયત કરવી. કારણ સ્પષ્ટ છે : હજ અલ્લાહ તઆલા પ્રત્યે પ્રેમપૂર્ણ સવિનય સચેત સમર્પણ (ઉઝબુદિયત)ની અંતિમ સફર છે — જેમાં (સંસારથી પાર પોતાના રબ તરફ) પોતાના ભૌતિક શરીર અને ખાસ કરીને હૃદય (કલ્બ) સાથે અલ્લાહના ઘર (બૈતુલ્લાહ) – કાબા – તરફ જવાય છે.

અલ્લાહ તઆલાના આ ઘરને અલ-બૈત અલ-અતીક એટલે પ્રાચીન, મુક્ત અથવા મુક્તિ આપનાર ઘર પણ કહેવામાં આવે છે. આથી તમારી આ સફર તમારા માટે સ્વતંત્રતા અથવા મુક્તિ (નો માર્ગ) કહેવાયો.

اللَّهُمَّ اجْعَلْهُ حَجًّا مَبْرُورًا وَسَعْيًا مَشْكُورًا وَذَنْبًا مَغْفُورًا

કારણ કે જેમ જેમ તમારું શરીર અલ્લાહના ઘરની સફર માટે તમારા ભૌતિક ઘરને છોડશે, તેમ તેમ તમારે તમારા અંદરના અહંકાર (નફ્સ), શૈતાન (નકારાત્મકતા) અને સાંસારિક આસક્તિઓથી મુક્તિ મેળવવા માટે સંઘર્ષ (જિહાદ) કરવો પડશે. તમારો આ જ સંઘર્ષ (જિહાદ) આ હજને હજ્જે મબરૂર બનાવવામાં મદદરૂપ થશે, જેનો અંતિમ ઇનામ એક નવા જન્મેલા બાળકની જેમ પવિત્ર અવસ્થામાં ઘરે પાછા ફરવાનો છે. આનાથી મોટું ઈનામ બીજું શું હોઈ શકે?

પરંતુ સાવધાન રહો, કારણ કે હજ એક ગમી જાય તેવી વિધી  છે. માત્ર થોડા જ લોકો હજ્જે મબરૂર પ્રાપ્ત કરે છે — એવા લોકો કે જેમણે અલ્લાહ તઆલાની રજા અને કોઈ તર્ક-વિતર્કમાં શામિલ થયા વિના, રિયા (દેખાડો) અને નામનાથી દૂર રહીને, બિલકુલ સાચા દિલથી હજ કર્યો છે. આવા હજમાં પાછા ફર્યા પછી હાજીને પોતાના મૃત્યુ સુધી ગુનાહોથી બચી રહેવું અને એવું કોઈ કામ ન કરવું જેનાથી તેનો હજ બરબાદ થઈ જાય, તે બહુ જ જરૂરી છે.

હે !અલ્લાહ (તઆલા) ! અમારા શરીરોને તારા ઘરની સફર કરવાની પરવાનગી આપ; અમારા દિલોને સાચી એકત્વ (હકીકત અલ-તૌહીદ)ની અનુભૂતિ કરાવ. આમીન!

તમે તમારા સાંસારિક ઘરથી રૂહાની ઘર (તમારા રબના સૌથી પ્રિય સ્થાન – કાબા) તરફ સફર કરશો. અલ્લાહ તઆલાનો આ હુકમ માનવ ઇતિહાસની શરૂઆતથી જ છે. મક્કા મોઅઝ્ઝમાંથી વધુ ધન્ય, વધુ સુંદર, વધુ સવાબઆપનાર અને વધુ શ્રેષ્ઠ કોઈ સ્થાન નથી. અલ્લાહ તઆલાએ મક્કા મોઅઝ્ઝમાના દરેક ખૂણાને પાક અને સવાબ મેળવવાનું સ્થાન (હરમ) જાહેર કર્યું છે. આથી આપણે આ બાબત પર અત્યંત ધ્યાન રાખવું જોઈએ કે આપણાંમાંથી કોઈ પણ મક્કા મોઅઝ્ઝમામાં પોતાની તરફથી કોઈ પ્રકારની લાપરવાહી ન કરે.

મીકાત 

મીકાત (એક નક્કી કરેલા સ્થાન) – બહુ-કાર્ય કુશળતા સાથે અલ્લાહ તઆલા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ.

મીકાત (એક નક્કી કરેલા સ્થાન)ની નજીક પહોંચતાં જ દિલથી અલ્લાહ તઆલાના ઘરની નજીક હોવાની અનુભૂતિ કરો, કારણ કે ટૂંક સમયમાં જ તમે પાક અને સવાબ મેળવવાના સ્થાન(હરમ)માં પ્રવેશ કરશો. એ યોગ્ય જ રહેશે કે તમે બાહર અને અંદરથી બંને રીતે એવી હાલતમાં પ્રવેશ કરો કે જે આ સન્માનને લાયક હોય. યાદ રાખો, મીકાત પછી માત્ર સંપૂર્ણ શરણાગતિ (તલબિયા) જ છે.

اللَّهُمَّ اجْعَلْهُ حَجًّا مَبْرُورًا وَسَعْيًا مَشْكُورًا وَذَنْبًا مَغْفُورًا

(આમીન! અલ્લાહ આ હજને મબરૂર બનાવે, સંઘર્ષને સ્વીકારે અને ગુનાહોને માફ કરે.)

હજ મુખ્યત્વે પોતાના દિલો (મનસ)ના અહંકાર, લાલસા-લોભલાલચ, સાંસારિક મોહને પાર કરીને અલ્લાહ તઆલાના ઘર તરફ સફર કરવાનું નામ છે, જે અલ્લાહ તઆલા પ્રત્યે સજાગ રહી (તકવા)ને સફરના રૂપમાં સૌથી ઉત્તમ ચાલચલગત સાથે જ કરવાની છે. આ હાલતની કામયાબી માટે આપણે તલબિયા સાથે ઇહરામ પહેરીને પ્રવેશ કરીએ છીએ. તલબિયા અલ્લાહ તઆલાના આહ્વાન અને આમંત્રણ પ્રત્યે દિલ (મનસ)ની સૌથી ઊંડી શરણાગતિ છે. તેમાં કહેવામાં આવે છે: 'હે રબ! તારી હાકલના જવાબમાં હું હાજર થયો છું.’ આ જ તલબિયા સાથે હું જાહેર કરું છું: ‘હે રબ! તારો કોઈ સહભાગી (શરીક) નથી’ – અર્થાત્ કોઈ પણ સાંસારિક મોહ, પ્રીતિ, રાગ-અનુરાગ કે આસક્તિ મને અલ્લાહ તઆલાની તલાશથી વિચલિત ન કરી શકે. મારું દિલ અલ્લાહ તઆલા સિવાય કોઈ બીજાને નહિ જુએ, ન સાંભળશે, ન હુકમ માનશે અને ન જ આકર્ષિત થશે. આ તલબિયાનું પાઠ નિરંતરતા સાથે કરવું જોઈએ, ન કે કોકવાર કારણ કે આ અમારા દિલ (મનસ)નું ધ્યાન કેન્દ્રિત કરવા માટે અતિ આવશ્યક છે. આ અમારી યાત્રાના ઉદ્દેશ્યને યાદ અપાવતું રહેશે અને અમારા (નફ્સના) અધિકારો, અનુરોધો અને અપેક્ષાઓને લગાવવાની સાથે-સાથે અન્ય લોકોના નાના-મોટા અધિકારોના પ્રતિપાદનમાં મદદરૂપ થશે; આ તકલીફોને દૂર નહીં કરે, માત્ર સરળ નહીં પરંતુ આનંદદાયક પણ બનાવશે.

મિના (પાક થવા માટે સાચી નિયત)

મક્કા મોઅઝ્ઝમાથી ૮ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલી એક ખીણ છે જેને મુના પણ કહેવામાં આવે છે. ‘મુના’ અરબી શબ્દ છે જેનો અર્થ છે લાલસા-લોભલાલચ, આકાંક્ષા કે તૃષ્ણા. મુનાથી જ સફર શરૂ થાય છે. આ દિવસે (૮ જુલહિજ્જા) આપણે પોતાના દિલો (મનસ)ને સફરના ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને આંતરિક ગતિ પ્રારંભ કરવાનો દૃઢ સંકલ્પ કરીએ છીએ.

અરફાત (પાક થવા માટેનું પહેલું કેન્દ્ર )

મક્કા મોઅઝ્ઝમાથી ૨૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલો એક પર્વતીય વિસ્તાર છે, જે વાસ્તવમાં આપણા માટે હરમની બહારનું સફાઈ કેન્દ્ર છે, જ્યાં આપણે ખુલ્લા દિલથી પોતાના જીવનમાં કરેલા તમામ ગુનાહો માટે તૌબા કરતાં કરતાં અલ્લાહ તઆલા સમક્ષ સવિનય દુઆ કરીએ છીએ.

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ ۖ لَبَّيْكَ لَا شَرِيكَ لَكَ لَبَّيْكَ ۖ إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ ۖ لَا شَرِيكَ لَكَ

(લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દ વન્નિઅમત લક વલ્મુલ્ક, લા શરીક લક)

આપણે પ્રાર્થના કરીએ છીએ કે તે અમને બધાને તેના હરમમાં પ્રવેશ કરવા, તેના ઘર તરફ જવા અને તેની ઉપસ્થિતિમાં રહેવા યોગ્ય બનાવે. અહીં, અરફાત પર, આપણે બે વસ્તુઓનું સંજ્ઞાન લેવું આવશ્યક છે – (1) અંતર્મનની વાસ્તવિકતા: જેમ-જેમ આપણે પોતાની અવગણના, પોતાના ગુનાહો, વિરોધશીલતા અને વિસ્મૃતિ (ગફલત)ને સ્વીકારીએ છીએ, તેમ તેમ આપણને એહેસાસ થશે કે અત્યાર સુધી આપણે સાચા બંદા તરીકે અયોગ્ય હતા. આથી આપણે અહીં અલ્લાહ તઆલાની સમક્ષ પોતાના નાની-મોટી તમામ અવગણનાઓને, જોકે તેને દરેક વસ્તુનું પૂર્વ-જ્ઞાન છે, સાચા મનથી પારદર્શિતા સાથે સ્વીકારીને પોતાની અંદરની વાસ્તવિકતા પર વિચાર કરીશું. (2) અલ્લાહ તઆલાની અસીમ કૃપાશીલતા: સર્વજ્ઞ, અતુલનીય દયા, અસીમિત ઉદારતા સાથે આપણા ગુનાહોને માફ કરનાર અલ્લાહ તઆલાની અસીમ કૃપાનો બોધ થવો આવશ્યક છે. જેમ-જેમ સૂર્યાસ્ત થતો જાય છે, આપણે અલ્લાહ તઆલાની કૃપા અને માફીની પવિત્રતાથી સુગંધિત થતા જઈએ છીએ અને તેના હરમની નજીક આવતા જઈએ છીએ.

મુઝદલિફા (પાક થવા માટેનું બીજું કેન્દ્ર)

અરફાતમાં દિવસ વિતાવ્યા પછી, આપણે રાત વિતાવવા માટે મિના અને અરફાતના માર્ગ પર આવેલા એક અન્ય મહત્વપૂર્ણ સ્થાન – મુઝદલિફા તરફ આગળ વધીએ છીએ. અરબી શબ્દ "મુઝદલિફા"નો અર્થ છે – નજીક આવવું. યાદ રાખો, મુઝદલિફા સફાઈ અને શુદ્ધિકરણનું બીજું સ્ટેશન છે. આપણે સવારની (ફજ્ર) નમાઝ પછી અવિરત અલ્લાહ તઆલાની સમક્ષ માફી માંગવાની અને માર્ગદર્શન (હિદાયત) માટે પ્રાર્થના કરતી અવસ્થામાં જ રહીશું.

ઇબ્રાહીમ (અલૈહિસ્સલામ)ને પોતાના પુત્રની કુરબાની આપવાનો (પ્રતીકાત્મક) આદેશ આપવામાં આવ્યો હતો. બેશક, અલ્લાહ તઆલાએ ક્યારેય ઇચ્છ્યું ન હતું કે પુત્ર જ કુરબાન થાય, આથી પુત્રના સ્થાને ઘેટાંને મૂકવામાં આવ્યું. વાસ્તવમાં તો અલ્લાહ તઆલા ઇબ્રાહીમ (અલૈહિસ્સલામ)ને પોતાના (અલ્લાહ તઆલાના) સિવાય દરેક રાગ-અનુરાગ અને આસક્તિઓથી શુદ્ધ અને મુક્ત કરવા ઇચ્છતો હતો. આ મુનાનું સ્થાન હતું જ્યાં શૈતાને ઇબ્રાહીમ (અલૈહિસ્સલામ)ને પોતાના પુત્રને કુરબાન કરવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ ઇબ્રાહીમ (અલૈહિસ્સલામ)એ શૈતાનની યોજનાઓ અને પ્રલોભનોને માન્યા નહીં.

اللَّهُمَّ اجْعَلْنِي مِنَ التَّوَّابِينَ وَاجْعَلْنِي مِنَ الْمُتَطَهِّرِينَ

(એ અલ્લાહ! મને તૌબા કરનારાઓમાંથી અને પવિત્ર થનારાઓમાંથી બનાવ.)

    શેતાન તરફ કંકડ (જમરહ) ફેંકવું

આ પ્રક્રિયામાં કંકડ ફેંકવાનો અર્થ એ છે કે હાજી દરેક વસ્તુ પર અલ્લાહ તઆલાની મહાનતાની પુષ્ટિ કરતાં-કરતાં અલ્લાહ તઆલા સાથે એક કરાર (અનુબંધ) કરે છે કે તે ક્યારેય એવું કોઈ કૃત્ય નહીં કરે જે અલ્લાહ તઆલાને નાપસંદ હોય અને એવા કૃત્યો માટે મનમાં રહેલી નકારાત્મક વૃત્તિને  હંમેશા માટે છોડે છે. 

શેતાન તરફ કંકડ (જમરહ) ફેંકવાનો અર્થ એ છે કે નફસની કામનાઓ, તૃષ્ણાઓ, આસક્તિઓ અને નકારાત્મક વૃત્તિઓને દિલમાંથી બહાર ફેંકી દેવી અને અંતે અલ્લાહ તઆલા સિવાય બધું જ છોડી દેવું. યાદ રાખો, કંકડ ફેંકવાનો હેતુ એ થાંભલા સાથે ટક્કર મારવાનો નથી, પરંતુ તે થાંભલાની આસપાસ બનેલા કન્ટેનરમાં ગિરાવટ કરવાનો છે, જ્યાં તે જમા રહેશે.

આપણે આપણી આઝાદી (નિજાત) મેળવવા માટે નફસના ભ્રમણ અને તેની અનિષ્ટતા પ્રત્યેના આવેગને નિષ્ક્રિય અને નિયંત્રિત કરીને તેને હરાવીને જેલમાં બંધ કરવું પડશે, જે અત્યંત આવશ્યક છે.

કંકડ-પથ્થર ફેંકીને પ્રતીકાત્મક રીતે નફસને જેલમાં મોકલવું

કંકડ-પથ્થર (જમરહ) ફેંકીને પ્રતીકાત્મક રીતે નફસને જેલમાં મોકલ્યા પછી તેને રહેંસવાના પ્રતીક તરીકે કુર્બાની કરવામાં આવે છે. હઝરત ઇબ્રાહીમ (અલૈહિસ્સલામ) દ્વારા કરાયેલી જાનવરની કુર્બાની નફસને રહેંસવાનું પ્રતીક બની ગઈ છે.

હવે માથું મુંડાવવાનું આવશે. કારણ કે માથાનાં વાળ સ્થિતિ, અવસ્થા અને ગૌરવનું પ્રતીક છે. આથી માથું મુંડાવવું એ એવું પ્રતીકાત્મક સંકેત છે કે અવગણનાકારી નફસનો બચી ગયેલો નિશાન અને અવશેષ પણ સંપૂર્ણપણે સુધરી ગયો છે.

હવે અલ્લાહ તઆલા દ્વારા હાજીને હરમ અને ઘરના દર્શન માટે આમંત્રણ

હવે અલ્લાહ તઆલા તરફથી હાજીને તેના હરમ અને ઘર (કાબા)ની જીયારત માટે આવવાનું અભિવાદન કરવામાં આવે છે. તે હવે ઇહરામમાંથી મુક્ત થઈ ગયો છે, પરંતુ તમામ પ્રતિબંધોમાંથી સંપૂર્ણપણે મુક્ત નથી.

સ્નાન અને ઇશ્તમાં (સુગંધ)નો ઉપયોગ કરવાની પરવાનગી છે; પરંતુ વૈવાહિક સંબંધ (અંતર્ગત સંબંધ)ની પરવાનગી નથી.

તવાફ-અલ-ઇફાઝા (તવાફે ઇફાઝા)

ઇફાઝા શબ્દનો અર્થ થાય છે આગળ વધવું. અરફાતથી હરમ સુધીના આવા-જવાને ઇફાઝા કહેવામાં આવે છે.

કંકડ ફેંકવા, કુર્બાની કરવા અને સિર મુંડાવ્યા પછી કરવામાં આવતું તવાફ જ તવાફ-અલ-ઇફાઝા છે.

તવાફ અલ-ઇફાઝા (તવાફે ઇફાઝા)

આ રસ્મને તવાફ અલ-ઇફાઝા કહેવામાં આવે છે. સર્વ-આસક્તિઓથી શુદ્ધ થઈને, રબ તઆલાના પ્રત્યે પ્રેમ અને સામીપ્યતાની ઉત્કંઠાથી ઓત-પ્રોત દિલ હરમ તરફ જવા માટે લાલાયિત થઈ ઉઠે છે.

ત્યાં પહોંચીને તે રબ તઆલાના ઘર (કાબા)ની પરિક્રમા (તવાફ) કરે છે અને પોતાના પ્રેમપૂર્ણ પાકી શરણાગતિની પોતાની પ્રતિજ્ઞા (અનુબંધ)ને નવીનીકૃત કરતાં-કરતાં એકત્વ (તૌહીદ)ની વાસ્તવિકતાના બોધ સાથે સુધરેલા નફસમાં થયેલા પરિવર્તનને સ્થાયી બનાવી રાખવાનો દૃઢ સંકલ્પ કરે છે.

સફા-મરવા વચ્ચે સઈ

સઈ એટલે (સફળતા હેતુ) સંઘર્ષ કરવો. સફા અને મરવા વચ્ચે સઈ કરતાં-કરતાં આપણે આ વાતને આત્મસાત કરવાની છે કે સફળતા માટે નિરંતર સંઘર્ષ કરવો જ જીવનની વાસ્તવિકતા છે.

સફા અને મરવાના પહાડો વચ્ચે ચિંતન અને દુઆથી રોશન ચહેરાવાળા હાજીઓને જોઈને આપણે પોતાના અને બીજાના દરેક નાના-મોટા મામલામાં અલ્લાહ તઆલાની અસીમ સત્તાના બોધથી આપણું હૃદય (મન) રબ તઆલા પ્રત્યે આદર અને ભયયુક્ત શ્રદ્ધાથી ભરાઈ જવું જોઈએ.

સફરનું સમાપન અને પુનઃસંકલ્પ

હજની સફર સમાપ્ત થયા પછી ત્યાંથી પાછા જવું નિયતિ છે; પરંતુ આ સફરના દિવ્ય-પ્રયોજન (તૌહીદ બોધ)ને અનુરૂપ આપણે ધીરે-ધીરે અલ્લાહ તઆલાનો આભાર વ્યક્ત કરતાં-કરતાં તેના પ્રત્યે નિરંતર જાગૃતતા સાથે તેના સ્મરણ (ઝિક્ર) સાથે અલ્લાહ તઆલાના ઘરમાંથી પાછા ફરતા સમયે સુધરી ગયેલા નફ્સની હાલતને કાયમ રાખવાની નિયતને ફરીથી યાદ કરીને વધુ પાકી નિયત કરીએ.


લેખક: 

ડૉ. અમીર-ઉલ-હક઼ 

MBBS, MS (Opthalmologist)

હિન્દીનું ગુજરાતી ભાષાંતર: 

પીર સૈયદ ઈશાકમિયાં અલઅબ્બાસી અલહાશિમી 

(B.A., M.A., B.Ed.)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજ મિત્ર (હજની સરળ માર્ગદર્શિકા)

હજ ૨૦૨૬: કુરબાની (અદહીયા) અંગે મુફ્તી નિઝામુદ્દીન રિઝવીનો મહત્વપૂર્ણ ફતવો અને માર્ગદર્શન

નાપાકીમાં હજ કેવી રીતે કરવી